ખાનગી કંપનીએ બોનસ આપવાનો ઈનકાર કરતા મહિલા કામદારોની હડતાળ

  |   Surendranagarnews

બગોદરા તા.15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર આવેલ ભાઈલા ગામે અરવિંદ લી. નામની ખાનગી કંપની આવેલ છે જેમાં અંદાજે ૧૭૦૦થી વધુ મહિલાઓ કામ કરે છે અને આ કંપની કાપડની હોવાથી કપડા બનાવવામાં આવે છે.

તાજેતરમાં કંપનીના માલીકો દ્વારા દિવાળીના તહેવાર પર કામ કરતી મહિલાઓને બોનસ આપવાની ના પાડતાં મોટાભાગની મહિલા કામદારો સવારથી જ કામથી અળગા રહ્યાં હતાં અને હડતાળ પર ઉતરી જતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં ધારાસભ્યની મધ્યસ્થી દ્વારા મોડી સાંજે બેઠક યોજ્યા બાદ હડતાળ સમેટાઈ હતી જેમાં કંપની દ્વારા બોનસ સહિત પગાર આપવાની ખાત્રી આપતાં મામલે થાળે પડયો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા-બગોદરા હાઈવે પર ભાઈલા ગામ પાસે આવેલ ખાનગી કાપડ બનાવવાની કંપનીમાં અંદાજે ૧૭૦૦ જેટલી મહિલાઓ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આગામી દિવાળીના તહેવારને ધ્યાને લઈ કંપની દ્વારા બોનસ આપવાની ના પાડતાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને અંદાજે ૧૫૦૦ જેટલી મહિલાઓએ હડતાળ પાડી કામગીરીથી અળગા રહી કંપની બહાર બેસી જતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં બાવળા પીએસઆઈ ચૌધરી, બગોદરા પીએસઆઈ એમ.પી.ચૌહાણ સહિત બાવળા-બગોદરા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તેમજ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ મેર, સરપંચો સહિતનાઓ કંપની ખાતે દોડી આવ્યાં હતાં અને કંપનીના હેડ અરૂણ મોહન સાથે આ મામલે મીટીંગ યોજી હતી જેમાં ત્રણ કલાક જેટલા સમય બેઠક થયાં બાદ પણ કંપનીના માલીક દ્વારા બોનસ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે કંપનીને હજુ આઠ મહિના જ થયાં છે અને હાલ કંપનીને કોઈ જ ફાયદો થયો નથી આથી પાંચ વર્ષ પુર્ણ થયાં બાદ નિયમ પ્રમાણે બોનસ આપવામાં આવશે અને અન્ય સમસ્યાઓ પણ હલ કરવાનું જણાવ્યું હતું. જ્યારે દિવાળી ટાંણે જ કંપની દ્વારા બોનસ આપવાની ના પાડતાં મહિલા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો અને કંપની દ્વારા કામદારો પાસેથી નિયમ કરતાં એક કલાક વધુ કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જ્યારે મોડી સાંજે ધારાસભ્યની મધ્યસ્થીથી હડતાળ સમેટાઈ હતી.

ફોટો - http://v.duta.us/PdiGAQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/gFGozAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬