ચાલકની બેદરકારીથી ટ્રક ડિવાઇડર કૂદી દીવાલ સાથે અથડાતાં ક્લીનરનું મોત

  |   Rajkotnews

હાઇ વે પર ટ્રકચાલકની ભૂલથી સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રકના ક્લીનરનો ભોગ લેવાયો છે. બનાવ અંગે જામનગરના વોરાવાડ, કાલી બંગલી દરબાર ગઢ પાછળ રહેતા ઇસ્માઇલભાઇ દોસ્તમહમદ મુળિયા નામના વૃદ્ધે જામનગર પાસિંગવાળા ટ્રકના જામનગર રહેતા ચાલક નવલસિંહ ચંદુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી તેના ટ્રક સાથે જામનગરથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. ટ્રકમાં ક્લીનર તરીકે ગુલશનભાઇ મહમદભાઇ હતા. દરમિયાન ટ્રક રાજકોટ તાબેના બેડી ગામથી સોખડા ગામ જવાના હાઇ વે પરથી પસાર થયો ત્યારે ચાલક નવલસિંહે ટ્રકના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સાઇડના ડિવાઇડર કૂદાવી રોડની સામેની સાઇડમાં રહેલી રેલવે બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો. દીવાલ સાથે ટ્રક અથડાતાં જ ક્લીનર ગુલશનભાઇ ટ્રકમાંથી ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. જેમાં ગુલશનભાઇને શરીરમાં અનેક ગંભીર ઇજાઓ થતાં તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ગુલશનભાઇનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બી ડિવિઝન પોલીસે ઇસ્માઇલભાઇની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી અકસ્માત સર્જીને તેના જ ટ્રકના ક્લીનરનું મોત નિપજાવવા અંગેનો ગુનો નોંધ્યો છે. પીએસઆઇ જે.આર.સરવૈયાએ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5i0jyAAA

📲 Get Rajkot News on Whatsapp 💬