વડોદરા / સુમનદીપ વિદ્યાપીઠમાં Mbbsમાં પ્રવેશ અપાવવાના બહાને 16 લાખની છેતરપિંડીના કેસમાં આરોપી ઝડપાયો

  |   Vadodaranews

34 લાખ રૂપિયા લઇને 18 લાખ સમાધાન પેટે પરત કર્યાં હતા

Divyabhaskar.comSep 23, 2019, 06:13 PM ISTવડોદરાઃ સુમનદીપ વિદ્યાપીઠમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવાના નામે એજન્ટ અને તબીબે સાથે મળીને રાજપીપળાની મહિલા સાથે 16 લાખની ઠગાઇ કરી હોવા અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રાવપુરા પોલીસે આ કેસમાં આરોપી વિનય હરીવદન પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી હતી

રાજપીપળામાં રહેતા સુખમણીબેન રાઠવાએ રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીને સુમનદિપ વિદ્યાપીઠમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માટે દાંડીયા બજાર લકડી પુલ પાસે દવાખાનું ધરાવતા ડો. વિનય હરીવદન પટેલ (રહે, ઉમાનગર, તરસાલી) મારફતે તેમણે હિતેન્દ્ર અનંતરાય ઠાકર (રહે, આશ્રય ફ્લેટ, ગોત્રી રોડ)નો સંપર્ક કર્યો હતો. હિતેન્દ્રએ તેમને તે સુમનદિપનો કર્મચારી હોવાની ઓળખ આપીને તે તેમની પુત્રીને સુમનદિપ વિદ્યાપીઠમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવશે તેવો વાયદો કર્યો હતો અને તેની પાસેથી 34 લાખ જેટલી રકમ પડાવી હતી. હિતેન્દ્રએ મહિલાને બોગસ રિસીપ્ટ અને બોગસ એડમિશન લેટર આપ્યો હતો. જોકે ત્યારબાદ પ્રવેશ મળ્યો ન હતો. તેમણે સુમનદિપમાં તપાસ કરતા આવો કોઇ પ્રવેશ મેળવાયો ના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહિલાએ પૈસા પરત આપવાની માંગણી કરી હતી. લાંબી કવાયત બાદ હિતેન્દ્રએ મહિલાને 18 લાખ પરત આપ્યા હતા, પણ બાકીના 16 લાખ પરત કરવામાં ઠાગાઠૈયા કર્યા હતા. આ મહિલા શનિવારે રાવપુરા પોલીસમાં પહોંચી હતી અને બંને શખ્સે ઠગાઇ કરી હોવા બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડો.વિનય એચ પટેલ અને હિતેન્દ્ર ઠાકર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રાવપુરા પોલીસે વિનય હરીવદન પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફોટો - http://v.duta.us/F51ZhgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/n9sBOAAA

📲 Get Vadodara News on Whatsapp 💬